1 બેગમની ઇર્ષ્યા
ચતુરાઈને કારણે બીરબલ દિવસે ને દિવસે બાદશાહનો માનીતો થતો જતો હતો. આ
કારણે બધાં તેની ઇર્ષા કરતા હતા. બેગમના એક ભાઈને બીરબલની ઘણી ઇર્ષા થતી
હતી. તેને દરબારમાં બીરબલની જગ્યાએ બેસવું હતું. પોતાના ભાઈની મદદ કરવા
માટે બેગમ અકબર થી રીસાઈ ગઈ. અકબર બાદશાહે રીસાવાનું કારણ પૂછ્યું ત્યારે
બેગમે કહ્યું, "તમે બીરબલના સ્થાને મારા ભાઈને બેસાડો. મારા ભાઈને દીવાન
બનાવો અને બીરબલને કાઢી મૂકો."
"પરંતુ હું વગર વાંકે બીરબલને શી રીતે કાઢી મૂકું ?" બાદશાહે પૂછ્યું.
"કોઈ તમારો હુકમ ન માને તો તમે તેને કાઢી મૂકી શકો ને?" બેગમે પૂછ્યું.
"હા," બાદશાહે કહ્યું, "મારો હુકમ ન માને તો હું ગમે તેને કાઢી મૂકું."
"તો પછી કાલે સવારે તમે બીરબલ સાથે બગીચામાં બેસજો. ત્યાં તમે મને
બોલાવવાનો હુકમ બીરબલને કરજો. બીરબલ મને તેડવા આવશે પરંતુ હું નહીં આવું.
તેથી તમારા હુકમનો અનાદર થયો કહેવાય. ત્યારે તમે તેને કાઢી મૂકજો." બેગમે
બાદશાહને સમજાવ્યા.
બીજે દિવસે બાદશાહ બીરબલ સાથે બગીચામાં આંટો મારવા ગયા. ત્યાં તેણે
બીરબલને કહ્યું, "જા બીરબલ, બેગમને અહીં બોલાવી લાવ. મારે તેનું ખાસ કામ
છે."
"ભલે જહાંપનાહ, હમણાં બોળલાવું લાવું." એમ કહી બીરબલ બેગમને બોલાવવા
મહેલમાં ગયો. બીરબલના ગુપ્તચરો મારફત બીરબલને આ કાવતરાની જાણ થઈ ગઈ હતી.
બીરબલે બેગમ પાસે જઈને કહ્યું, "રાણી સાહેબા, બાદશાહ તમારા ઉપર ખૂબ જ નારાજ
છે. તે તમને કંઈક કહેવા માટે બગીચામાં બોલાવે છે. સાચવીને જજો. મને લોકો
મારફત જાણવા મળ્યું છે કે તમે બાદશાહ પાસે ખોટું કાર્ય કરાવવા જિદ્દ કરો
છો, તેથી બાદશાહ તમારાથી કંટાળી ગયા છે અને થોડા જ સમયમાં બીજી બેગમ લઈ
આવવાના છે!"
બીરબલની વાત સાંભળી બેગમને તેની જીદ્દ બદલ પસ્તાવો થવા લાગ્યો. તે
તરત જ બગીચા તરફ ચાલી. બગીચામાં બાદશાહ પાસે આવી બેગમ કરગરવા લાગી,
"જહાંપનાહ, મને માફ કરી દો. હવે હું કદી ખોટી વાત ની માગણી નહીં કરું. હવે
કદી ભૂલ નહીં કરું પણ તમે બીજી બેગમ ન લાવતા."
બેગમની વાત સાંભળી બાદશાહ મનોમન હસ્યા. તે સમજી ગયા કે "બીરબલે કોઈ
નવી ચાલબાજી કરી છે, જે સફળ થઈ. તેણે બેગમને કહ્યું, "જા, તને માફ કરી. હું
હવે કોઈ નવી બેગમ નહીં લઈ આવું. મેં જે માણસને જે કામ માટે રાખ્યો હોય તે
માણસ તે કામને માટે યોગ્ય હોય તો જ રાખ્યો હોય એટલું સમજજે."
Post a Comment
Post a Comment