15 ચતુર બીરબલ
બીરબલની ચતુરાઈથી ખુશ થઈ અકબર બાદશાહે તેને નોકરીએ રાખી લીધો.
થોડા જ સમયમાં બીરબલ બાદશાહનો માનીતો માણસ બની ગયો. તેથી બીજા દરબારીઓ
બીરબલની ઇર્ષા કરતા.
એક વખત બીમારીને કારણે બીરબલ ચાર-પાંચ દિવસ રજા પર હતો. ત્યારે
ઇર્ષાખોર દરબારીઓને બાદશાહ પાસે ચુગલી કરવાનો મોકો મળી ગયો. તેમણે અકબર
બાદશાહને કહ્યું કે તમે બીરબલને ખોટો ચડાવી દીધો છે. કાજી પણ બીરબલ જેટલાં જ
ચતુર છે, તો તમે બીરબરની જગ્યાએ કાજીને દીવાનની પદવી આપો. બાદશાહ
દરબારીઓની ઇર્ષા સમજતા હતા. તેમ છતાં તેમણે તેનું માન રાખવા કહ્યું, ‘ભલે,
હું અત્યારથી જ કાજીને બીરબલની જગ્યાએ રાખું છું,‘ એમ કહી અકબર બાદહશાહે
કાજીને કહ્યું, ‘કાજી, મહેલની છેવાડે રોજ રાત્રે કૂતરાનાં બચ્ચાંનો અવાજ
આવે છે ! તો તમે ત્યાં જઈ તપાસ કરો કે ત્યાં શું છે ?‘
બાદશાહના હુકમ પ્રમાણે કાજી તપાસ કરીને પાછા આવ્યાં. તેમણે બાદશાહને
કહ્યું, "હજૂર! આપના મહેલની પછવાડે એક કૂતરી વિયાણી છે અને તેનાં બચ્ચાં
ચૂં ચૂં કરે છે તેનો અવાજ તમને રાત્રે સંભળાય છે."
"કૂતરીએ કેટલાં બચ્ચાંને જન્મ આપ્યો છે ?" બાદશાહે પૂછયું એટલે
કાજીએ કહ્યું, ‘મેં બચ્ચાં કેટલાં હતાં તે ગણ્યાં નહોતાં.‘ કાજી ફરીથી
બચ્ચાં ગણવાં ગયા અને પાછા આવી કાજીએ કહ્યું, "સારું પાંચ બચ્ચાં છે તેમાં
નર બચ્ચાં અને માદા બચ્ચાં કેટલાં છે?"
"હજૂર તે મેં નથી જોયું, ભલે ફરીથી હું જોઈને આવું અને તમને જણાવું."
એમ કહી કાજી ગયા. પાછા આવીને તેમણે જવાબ આપ્યો, "હજૂર, બે બચ્ચાં નર છે
અને ત્રણ બચ્ચાં માદા છે."
"સારું, તો તે માદા અને નર બચ્ચાં કેવા કેવા રંગના છે તે કહો."
બાદશાહે કાજીને કહ્યું, કાજીએ કહ્યું, "હજૂર, મેં રંગ તો યાદ નહોતો રાખ્યો.
હવે ફરીથી હું જોઈને આવું અને કહું છું કે ગલુડિયા કેવા કેવા રંગના છે!"
એમ કહી કાજી જતા હતા તેમને રોકી બાદશાહે કહ્યું, "કાજી, હવે રંગ જોવા જવાની
જરૂર નથી. બીરબલને બોલાવો."
બાદશાહે બીરબલને બોલાવવાનો હુકમ કર્યો, એટલે બીરબર હાજર થયો. બાદશાહે
બીરબલને કહ્યું, "બીરબલ, મહેલની પછવાડેથી રોજ રાત્રે કૂતરાનાં બચ્ચાંનો
અવાજ આવે છે. તું જઈને તપાસ કરીને આવ કે શી બાબત છે ?"
"જી હજૂર." એમ કહી બીરબલ તપાસ કરવા ગયો. થોડીવાર પછી પાછા આવી તેણે
બાદશાહને કહ્યું, "હજૂર, મહેલની પાછળ એક કૂતરીએ પાંચ બચ્ચાંને જન્મ આપ્યો
છે. તેમાં બે બચ્ચાં લાલ રંગના નર ગલૂડિયા છે. જ્યારે ત્રણ બચ્ચાં કાળાં
અને સફેદ ટપકાંવાળાં માદા ગલૂડિયાં છે. તે ગલૂડિયા રાત્રે અવાજ કરી તમારી
ઊંઘમાં ખલેલ પાડે છે. મેં સંત્રીને કહી દીધું છે તે કૂતરી તથા ગલૂડિયાંને
તમારા મહેલથી થોડે દૂર સારી જગ્યામાં રાખી આવશે જેથી તમને રાત્રે ખલેલ ન
પડે."
બીરબલનો જવાબ સાંભળી અકબર બાદશાહે ઇર્ષાખોર દરબારીઓ સામે જોઈ કહ્યું,
"તમારા હોંશિયાર કાજી ચાર ધક્કા ખાઈને આવીને જે કામ ન કરી શક્યા તે કામ
બીરબલે એક જ વાર જઈને કરી દીધું ! હવે તમારે કંઈ કહેવું છે?" ઇર્ષાખોર
દરબારીઓનાં મોઢાં શરમથી ઝૂકી ગયાં.
Post a Comment
Post a Comment