20 હીરા કોની પાસે?
રોજની જેમ અકબર બાદશાહ દરબારની કાર્યવાહી જોઈ રહ્યા હતા ત્યારે એક
માણસ રોતો રોતો દરબારમાં પ્રવેશ્યો. તેણે બાદશાહ પાસે મદદ માંગતા કહ્યું,
"આલમ-પનાહ, મારી સાથે વિશ્વાસઘાત થયો છે. કૃપા કરી મારો ન્યાય કરો."
બાદશાહે તેને હિંમત આપતા કહ્યું, "તું કોણ છે ? અને તારી સાથે કોણે
વિશ્વાસઘાત કર્યો છે ?"
તે માણસ બોલ્યો, "અન્નદાતા, મારું નામ રામલાલ છે. હું અને મારો
મિત્ર વેપાર કરવા બહારગામ ગયા હતા. વળતી વખતે રસ્તામાં અમને હીરા ભરેલી
કોથળી મળી હતી. ત્યારે મારા મિત્ર શ્યામલાલે મને કહ્યું હતું કે જ્યારે
નગરમાં પાછા ફરીએ ત્યારે તે મારા ભાગના હીરા મને પાછા આપી દેશે ! પરંતુ અમે
નગરમાં પાછા આવી ગયા ત્યારે શ્યામલાલ મારા ભાગના હીરા મને આપવાની ના કહે
છે."
ફરિયાદીની વાત સાંભળી બાદશાહ અકબરે શ્યામલાલને દરબારમાં હાજર થવાનો
હુકમ કર્યો. થોડીવાર પછી શ્યામલાલ ત્રણ વ્યક્તિને લઈ દરબારમાં હાજર થયો.
ત્યારે બાદશાહે તેને પૂછ્યું, "શ્યામલાલ, રામલાલનો તારા પર આરોપ છે કે તેના
ભાગના હીરા તું તેને નથી આપતો."
"ખોટી વાત છે, હજૂર" શ્યામલાલે બાદશાહને કહ્યું, "મેં તેને તેના ભાગના હીરા નગરમાં આવ્યા પછી તરત જ આપી દીધા હતા."
"તેં રામલાલને હીરા પાછા આપ્યા તેનાં કોઈ સાક્ષી તારી પાસે છે ?" બાદશાહે પૂછ્યું. શ્યામલાલે જવાબ આપ્યો :
"હાં જહાંપનાહ, મેં રામલાલને તેના ભાગના હીરા આપ્યા છે તેના એક નહીં પણ ત્રણ સાક્ષીઓ મારી પાસે છે."
શ્યામલાલની વાત સાંભળી અકબર બાદશાહ મૂંઝાયા. તેણે બીરબલને કહ્યું, "આ
બન્નેનો ન્યાય તું કર, બીરબલ." બીરબલે કહ્યું, "જેવી આપની આજ્ઞા, હમણાં જ
હું દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દઉં છું." એમ કહી બીરબલે રામલાલ,
શ્યામલાલ અને તેના ત્રણેય સાક્ષીને એક ઓરડામાં મોકલી દીધા. પછી એકપછી એક
સાક્ષીને વારાફરતી બોલાવ્યા અને પ્રશ્નો પૂછ્યા, પહેલા સાક્ષીને બીરબલે
પૂછ્યું, "તારી સામે શ્યામલાલે જે હીરા આપ્યા તે હીરાનો રંગ કેવો હતો અને
કેટલા હીરા હતા ?"
સાક્ષીએ કહ્યું, "શ્યામલાલે, રામલાલને એક લાલરંગની પોટલીમાં હીરા
આપ્યા હતા તેથી હીરા કેટલા અને કેવા રંગના હતા તે મને નથી ખબર. મેં ફક્ત
હીરાની પોટલી આપતા જોયા છે."
બીરબલે એ જ સવાલ બીજા સાક્ષીને કર્યો, "તારી સામે શ્યામલાલે રામલાલને
જે હીરા આપ્યા હતા તે હીરા કેવા રંગના હતા અને કેટલા હતા ?" સાક્ષીએ જવાબ
આપ્યો, "હીરા ગુલાબી રંગના હતા અને લગભગ પચીસેક હીરા હતા !"
હવે બીરબલે ત્રીજા સાક્ષીને બોલાવ્યો અને તે જ સવાલ ફરીથી કર્યો,
"તારી સામે શ્યામલાલે રામલાલને હીરા આપ્યા તે હીરા કેવા રંગના હતા અને
કેટલા હતા ?" ત્રીજા સાક્ષીએ મૂંઝાતા મૂંઝાતા જવાબ આપ્યો, "શ્યામલાલે
રામલાલને એક દાબડીમાં હીરા આપ્યા હતા, તેથી હીરા કેટલા અને કેવા રંગના હતા
તે મને નથી ખબર." આ બધી વાત બાદશાહ અકબર સાંભળી જ રહ્યા હતો બીરબલે તેમને
કહ્યું, "જહાંપનાહ, જોયુંને શ્યામલાલ ખોટો માણસ છે. અને તેના સાક્ષીઓ પણ
ખોટા છે. ત્રણેય સાક્ષીના જવાબ ઉપજાવી કાઢેલાં છે !" અકબર બાદશાહ ગુસ્સે
થઈ ગયા. તેણે શ્યામલાલને આકરી સજા કરવાનું કહ્યું, ત્યારે શ્યામલાલે સાચી
વાત કહી દીધી, "હજૂર, મને માફ કરો. હીરાની લાલચમાં હું ખોટું બોલ્યો. બધાં
કિંમતી હીરા મારે એકલાને રાખી લેવા હતા. એટલે મેં ખોટા સાક્ષી ઊભા કર્યા
પરંતુ ઉતાવળમાં સાક્ષીને શું બોલવું તે મેં શીખવાડ્યું નહોતું અને ચતુર
બીરબલ પાસે ત્રણેય સાક્ષી જવાબ દેવામાં ભૂલ કરી ગયા. હજૂર, મને માફ કરો."
શ્યામલાલ બાદશાહ પાસે કરગરવા લાગ્યો એટલે બાદશાહે કહ્યું, "તારા ગુનાહને
બદલે તારે માફી જોઈતી હોય તો બધા જ હીરા રામલાલને સોંપી દે તો જ તને માફી
મળશે."
સજામાંથી બચવા માટે શ્યામલાલ તરત જ ઘેર જઈ બધા હીરા લઈ આવ્યો અને બાદશાહની સામે જ રામલાલને બધા હીરા આપી દીધા.
Post a Comment
Post a Comment