-->
3 thi 8 nu material

NEW UPDATE

16 ચોરી કોણે કરી ?

ચોરી કોણે કરી ?


એક વખત નગરના મોટા પ્રતિષ્ઠિત વેપારીને ઘેર મોટી રકમની ચોરી થઈ ગઈ, વેપારીએ તે ચોરીની ફરિયાદ કાજી પાસે કરી, પરંતુ ઘણી તપાસ કર્યા પછી પણ ચોરી કોણે કરી છે તે ખબર ન પડી ત્યારે તે મામલો અકબરના દરબારમાં આવ્યો.
અકબર બાદશાહે ચોરને શોધી કાઢવાનો હુકમ બીરબલને કર્યો. બીરબલે તે વેપારીને બોલાવ્યો અને પૂછ્યું, "તમને કોઈ પર શક છે ? શક હોય તો કહી દેજો, ગભરાતા નહીં. તમને તમારું ચોરાયેલું ધન મળી જશે."
વેપારીએ જવાબ દીધો, "હજૂર, મારો એવો અંદાજ છે કે મારા નોકરોમાંથી કોઈ એકે આ ચોરી કરી છે. કોઈ બહારના માણસનું આ કામ નથી. પરંતુ મારા ચાર-પાંચ નોકરોમાંથી કોણે ચોરી કરી હશે ? તે હું કહી શકતો નથી."
બીરબલે સિપાહીને મોકલી તે વેપારીના નોકરોને તેડાવ્યા. જ્યારે ચારેય નોકરો આવી ગયા ત્યારે બીરબલે ચાર એક સરખી લાંબી લાકડીઓમાંથી એક એક લાકડી નોકરોને આપી અને કહ્યું, "જુઓ, આ જાદુઈ લાકડી તમારે ચારેયને તમારી પાસે આજ રાત પૂરતી રાખવાની છે." આમ કહી બીરબલે લાકડીઓ ઉપર મંત્ર ફૂંકવાનો ઢોંગ કર્યો. પછી કહ્યું, "કાલે સવારે આવીને તમારે ચારેયે મને સૌ સૌની લાકડી બતાવવાની છે. જેણે ચોરી કરી હતે તેની લાકડી કાલ સવારે એક ઇંચ લાંબી થઈ જશે. અને જેણે ચોરી નહીં કરી હોય તેની લાકડી એ જ માપની રહેશે." આમ કહી બીરબલે ચારેય નોકરોને અલગ અલગ ઓરડામાં બંધ કરી દીધા.
હવે બન્યું એવું કે જે ખરેખર ચોર હતો તેણે ઓરડામાં જઈ વિચાર્યું કે મેં ચોરી કરી છે તેથી મારી લાકડી સવાર સુધીમાં એક ઇંચ લાંબી જઈ જશે. તો હું આ લાકડીમાંથી એક ઇંચ અત્યારે જ કાપી નાખું તો સવારે મારી લાકડી લાંબી થશે તો બધા નોકરોની જેવડી જ થઈ જશે !‘‘ આમ વિચારી તે ચોર નોકરે પોતાની લાકડી એક ઇંચ જેટલી કાપી નાખી. પરંતુ તે લાકડી ખરેખર જાદુઈ નહોતી, માટે સવારે જ્યારે ચારેય નોકરો પોતાની લાકડી લઈને હાજર થયા ત્યારે બીરબલે બધી લાકડી સાથે રાખી ને માપી અને તેણે તરત જ કહી દીધું, કે આ એક ઈંચ નાના લાકડીવાળા નોકરે જ ચોરી કરી છે. નોકરની ચોરી પકડાઈ ગઈ હતી. તે હવે સજા મળવાના ભયથી ગભરાઈ ગયો. તેણે ચોરીની બધી વાત સ્વીકારી લીધી. આમ બીરબલની ચતુરાઈને કારણે સાચો ચોર પકડાઈ ગયો અને વેપારીને તેનું ધન પાછું મળી ગયું. ચોરને સજા થઈ.

Post a Comment

Subscribe Our Newsletter