ઉંદર સાત પૂંછડિયો

એક દિવસ ઉંદરડીનાં બે બચ્ચાંને બિલાડી લઈ ગઈ બીજાં બે બચ્ચાંને કાગડો લઈ ગયો. સાત પૂંછડી વાળું એક જ બચ્ચું બચ્યું. એટલે ઉંદરડી તેનું બહુ જતન કરતી. એ સાત પૂંછડિયો ઉંદર મોટો થયો એટલે તેની માએ એને નિશાળે ભણવા મોકલ્યો.
નિશાળમાં છોકરાઓને ઉંદરની સાત પૂંછડીઓ જોઈને રમૂજ થઈ. છોકરાઓ ઉંદરને ખીજવવા લાગ્યા.
''ઉંદર સાત પૂંછડિયો ! ઉંદર સાત પૂછડિયો''
છોકરાઓના મોઢે આવું સાંભળી ઉંદર રડતો રડતો ઘેર આવ્યો.
ઉંદરડીએ પૂછયું, 'બેટા રડે છે કેમ ?'
ઉંદરે કહ્યું, 'મા નિશાળમાં મને છોકરાઓ સાત પૂંછડિયો કહીને ખીજવે છે.'
ઉંદરડીએ કહ્યું, '' બેટા, એમાં રડવાનું ન હોય વાળંદ પાસે જા. એક પૂંછડી કપાવી આવ.''
માની વાત સાંભળીને ઉંદર વાળંદ પાસે એક પૂંછડી કપાવી આવ્યો.
ઉંદર બીજે દિવસે નિશાળે ગયો. છોકરાઓ પૂંછડીઓ ગણી પાછા ખીજવવા લાગ્યા.
''ઉંદર છ પૂંછડિયો ! ઉંદર છ પૂંછડિયો !''
ઉંદર નિશાળ માંથી ભાગ્યો અને ઘેર આવી માને કહ્યું, ''મા મને તો હજુ છોકરાઓ ઉંદર છ પૂંછડિયો કહીને ખીજવે છે.''
માએ કહ્યું, '' જા એક પૂંછડી કપાવી આવ.'' ઉંદર વળી પાછો એક પૂંછડી કપાવી આવ્યો.
આમ ઉંદર દરરોજ એક પૂંછડી કપાવે. એમ કરતાં ઉંદરને એક જ પૂંછડી રહી. તોપણ નિશાળમાં બધા છોકરાઓએ ઉંદરને ખીજવ્યો.
''ઉંદર એક પૂંછડિયો ! ઉંદર એક પૂંછડિયો !''
છોકરાઓથી કંટાળી ઉંદરે છેલ્લી પૂંછડી પણ કપાવી નાખી. ઘેર આવી એણે અરીસામાં જોયું ને બોલ્યો, '' હવે મારે પૂંછડી જ નથી તેથી છેકરાઓ નહિ ખીજવે.''
બીજે દિવસે ઉંદર નિશાળે ગયો. છોકરાઓને વધારે ગમ્મત પડી. એતો ઉંદરને ઘેરી વળીને ખીજવવા લાગ્યા.
''ઉંદર બાંડો ! ઉંદર બાંડો ! ''
ઉંદર ઘેર આવી માને ફરિયાદ કરી.
ઉંદરડીએ કહ્યું, '' બેટા, તારે બધી પૂંછડીઓ કપાવવાની જરૂર નહતી.''
ઉંદર રડતા રડતા બોલ્યો, ''મા, ગમે તેમ કર, મારે પૂંછડી જોઈએ.''
માએ ખૂબ વિચાર કરી કહ્યું, '' જા તારી કપાયેલી પૂંછડી લઈ આવ.''
ઉંદરે દોડતા જઈને કચરા ટોપલી માંથી પૂંછડી લઈ આવી માને આપી.
ઉંદરડી ઉંદરને લઈ ર્ડાકટર વનુ વાંદરા પાસે ગઈ. બધી હકકીત તેને કહી સંભળાવી. કપાયેલ પૂંછડી ઉંદરને ફરી લગાવી આપવા વિંનતી કરી. ડૉકટર વનુભાઈએ ઉંદરને પૂંછડી સરસ રીતે લગાવી આપી. ઉંદરડી અને ઉંદરે તેનો આભાર માન્યો ને બંને હરખાતાં ઘેર ગયાં.
Post a Comment
Post a Comment