એક વખત બાદશાહે બીરબલ સહિત બધાં દરબારીઓને પૂછ્યું કે દુનિયામાં
સૌથી સફેદ વસ્તુ કઈ ? ત્યારે કોઈએ દૂધ કહ્યું, કોઈએ ચાંદી કહી, તો
કોઈએ બગલો કે હંસ કહ્યા. જ્યારે બીરબલે કહ્યું કે દુનિયામાં સૌથી સફેદ
વસ્તુ છે ‘પ્રકાશ‘.
એટલે અકબર બાદશાહે બીરબલને કહ્યું, ‘તારો જવાબ, સાબિત કરી બતાવ તો સાચો માનું.‘
‘જી હજૂર.‘ બીરબલે કહ્યું, ‘બે-ત્રણ દિવસમાં જ હું સાબિત કરી બતાવીશ.‘
બીજે દિવસે બીરબલે બાદશાહના એક કમરામાં વચ્ચોવચ્ચ ટેબલ ઉપર ચાંદીના
પ્યાલામાં દૂધ ભરીને મૂક્યું અને ઓરડાની બધી બારીઓ બંધ કરી દીધી. ઓરડામાં
અંધારું થઈ ગયું.
થોડીવાર પછી બાદશાહ તેના નિયમ પ્રમાણે ઓરડામાં પ્રવેશ્યા. ઓરડામાં
અંધારું હોવાથી તેઓ બારી ખોલવા બારી તરફ ગયા. ત્યાં વચ્ચે મૂકેલા ટેબલ સાથે
અથડાયા. ટેબલ પર રહેલો પ્યાલો પડી ગયો. દૂધ ઢોળાઈ ગયું. બાદશાહે ગુસ્સે
થઈને નોકરને બોલાવવા માટે બૂમ પાડી. પરંતુ નોકરને બદલે બીરબલ આવ્યો અને
તેણે બારી ખોલીને બાદશાહને કહ્યું, ‘જોયું જહાંપનાહ ! દૂધ અને પ્યાલો
બન્ને સફેદ જ હતા. તેમ છતાં પ્રકાશ વગર તમને તે દેખાયા નહીં.‘
‘તારી વાત બરાબર છે, બીરબલ; પ્રકાશ જ સૌથી સફેદ છે‘ બાદશાહે કબૂલ કર્યું.
Post a Comment
Post a Comment